Aug 19, 2012

ગીતાંજલી


ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર પોતાના નોબેલ   પ્રાઈઝ થી સન્માનિત કાવ્ય  સંગ્રહ ગીતાંજલીમાં એક નાની  મજાની  વાત કહે છે:
 
અંગ્રેજીમાં:
The child who is decked with prince's robes and who has jewelled 
chains round his neck loses all pleasure in his play; 
his dress hampers him at every step.
In fear that it may be frayed, or stained with dust he keeps
himself from the world, and is afraid even to move.
Mother, it is no gain, thy bondage of finery, 
if it keep one shut off from the healthful dust of the earth, 
if it rob one ઓફ the right of entrance to the great fair of common human life.
 માતા પિતા પોતાના વ્હાલા શિશુ ને ખુબ ઉમંગભેર સારાં વસ્ત્રો આભૂષણો થી સજાવી ને પોતાનો આનંદ વ્યક્ત કરે છે ત્યારે એ શિશુ ના મન ની વાત આ સંવેદનશીલ  જ સમજી શક્ય હોય તેવું આ   કાવ્ય માં દેખાઈ આવે છે.
 " માડી, મારે આવા શણગાર શું કામના? 
તું મને તો રાજકુંવરની જેમ તૈયાર કરીને રમવા મોકલે છે પરંતુ મારો રમવાનો બધો આનંદ ક્યાય ગાયબ થઇ જાય છે. મને આ રેશમી વસ્ત્રો, આ દાગીના બધાનો એટલો ભાર લાગે છે કે હું હળવો  ફૂલ થઈને રમવા ચાહું છું તે તોહું  કરી શકતો  નથી. 
આવા મોંઘા દાટ કપડાને સાચવી સાચવી ને પહેરવાના, ના તો એને ડાઘ લાગવો જોઈએ ના તો એ રમત રમતમાં ફાટવું  જોઈએ, 
મારે તો એની ચિંતામાં  બધાથી દુર જ ઉભા રહેવાનો વારો આવે છે. હું  કોઈને પાછળ દોડીને પકડ દાવ પણ નથી રમી શકતો. 
 હું તો ચાહું  કે તું જેવું ઘરનું બારણું ખોલે ને હું સડસડાટ રસ્તા ઉપર દોડી જાઉં, તાપમાં, ધૂળમાં, કાદવ કીચડમાં મન મુકીને રમું,
આખો દિવસ કેટલા બધા બાળકો ત્યાં ધમાચકડી કરતા હોય છે, એમાં હું ભળી જાઉં. 
વિશ્વ વીણાની   હજારો સુરાવલીઓ જ્યાં ગુંજે છે, પ્રકૃતિ  પોતાની છટા જ્યાં છલકાવે છે ત્યાં મને રેશમી વસ્ત્રો અને આભૂષણો માં શણગારીને દિલ ખોલીને  રમવાનો મારો અધિકાર તું છીનવી લઈશ મા.સાચું કહે , માડી, મારે આવા શણગાર શું કામના? "
કેવી સરસ અને સરળ છતાંય સચોટ અભિવ્યક્તિ!

એ જમાનામાં , સો વરસ પહેલા, રેશમી વસ્ત્રો ને આભૂષણો પહેરાવી સુખી ઘરની માતાઓ બાળકો ને તૈયાર કરી રમવા મુકાતી. હવે તો કાંડા ઘડિયાળ , મોંઘા જીન્સ, ગોગલ્સ, વિડીઓ ગેમ્સ , ઈત્યાદી  જ આભૂષણો બની gayaa  છે. નિશાળમાં તો મોબાઈલ ફોન વડે પણ પોતાની બડાઈ હાંકી શકાય છે. ગણવેશ નો અર્થ જ એ હતો કે શાળામાં રંક અને રાય ના બાળકો સમાન દેખાય, સમાન ગણાય  અને એક બીજા માં હળે ભળે. આજકાલ તો શાળા જ આ વિફરી છે. ટાગોર ના શાંતિનિકેતન ની હોસ્ટેલની ગૃહમાતાએ ઘૃણાસ્પદ રીતે એક છાત્રા સાથે વ્યવહાર કર્યો તો બીજી બાજુ દક્ષિણ ભારતની કોઈ શાળાએ ગરીબ બાળકો સહેલાઈથી ઓળખાઇ જાય તે માટે તેમના વાળની લટો કાપી નાખ્યાના સમાચાર પણ વાંચ્યા છે.

કુમળા બાળકોની મનોસ્થિતિ અંદ જરૂરીયાત સમજવા જેટલી સંવેદના માતા પિતા, પરિવારજનો  અને શિક્ષકો મા હોય તે કેટલું જરૂરી છે તે તો  ગુરુદેવ ટાગોર અને ગુજરાતના પૂ. ગિજુભાઈ બધેકા              (વાલીઓમાં અને શિક્ષણ  જગતમાં વહાલપૂર્વક જેમને બાળકોની "મૂછાળી મા" તરીકે ઓળખવામાં આવે છે) આપણને સમજાવી ગયા છે. બસ, આપણે તો માત્ર તેને યાદ રાખવાનું છે અને અમલમાં મુકવાનું છે.


Aug 17, 2012

રાગ અને દ્વેષ..


રાગ અને દ્વેષ..

રાગ એટલે ગમતું / ગમવું   એમ કહેવાય. અને દ્વેષ એટલે અણગમતું / ન ગમવું.

જે ગમે  તેને સાચવીએ, લાડ લડાવીએ, રીઝવીએ. વહાલ કરીએ. વિખૂટું તો નહિ પડી જાય તેની ચિંતા કરીએ. સાચવીએ, સંભાળીએ. તેના સારું ઝગડી પડીએ. તેના ગુણ ગાન ગાઈએ.

જે ન ગમે તેને તિરસ્કારીએ,  તરછોડીએ, ધુત્કારીએ. નજીક ન આવા દઈએ, મોઢું  ચડાવીએ, અણગમો વ્યક્ત કરવાની એકે ય તક જતી ન કરીએ.

રાગ અને દ્વેષ જયારે ( પતિ-પત્ની, માં બાપ અને બાળકો સિવાયની ) વ્યક્તિ માટે હોય ત્યારે કેવો અન્યાય થઇ જાય!

કોઈ આપણ ને ક્યારે ગમે ? આપણા   વિષે  સારું કરે, સારું બોલે, થોડું ઘણું  ઘસાય, માન આપે - એટલે કે આપણા અહં ને પોષે,  લાભ કરાવી આપે.  બદલામાં આપણે પણ સામે  એવુંજ કરીએ . એવી આશા સાથે કે આપણે કર્યું એ બધું એને પણ એટલું જ ગમશે. એની એ વ્યક્તિ નોંધ લેશે અને યાદ પણ રાખશે.  ક્યારેક એક પક્ષ એવું પણ વિચારે કે પોતે કર્યું એટલા પ્રમાણમાં સામે પક્ષે તો કંઈ કર્યું નથી.  આવી પરિસ્થિતિમાં  હવે એવું થાય કે એક પક્ષે રાગ થાય અને બીજા પક્ષે દ્વેષ થાય. આ તો વેપાર થયો. ત્રાજવા લઇ ને બેસો એટલે અપેક્ષાઓ નું  અને વળતર - મળતર નું પલ્લું હલકું-ભારે  થવાનું. મન તો માકડું છે. તરત નફો નુકશાન ગણી નાખે અને એમાંથી જાણ્યે અજાણ્યે ઉપજે રાગ-દ્વેષ.

જે જે આપણા સંપર્ક માં આવે તેના આવા હાલ થાય. કાં તો આપણ તે વ્યક્તિ ગમે અથવા પછી  ન ગમે. ભલે એનું કઈ કામ આપણ ને નથી પડ્યું કે નથી પડવાનું,  નથી એને ભોજન માટે બોલાવવાના કે નથી આપણે જમવા એને ત્યાં જવાનું. નથી કઈ ઉધાર લેવાનું કે આપવાનું. અથવા તો  નથી એણે કે નથી આપણે ઘસાવાનું.  તોય ગમો-અણગમો ક્યાંથી ફૂટી  નીકળ્યો એ સવાલ મન ને પીડે છે.

અરે, કોઈ કહે કે તમારા વિષે અમુક ભાઈ કે બહેન બહુ સારું બોલતા હતા એટલે બસ ખલ્લાસ. ભલે આપણે કાનોકાન નથી સાંભળ્યું. ભલે એવું કંઈ એ ખરેખર બોલ્યા હતા કે નહિ. પણ એ સજ્જન કે સન્નારી વિષે આપણા મન માં માન વધી ગયું.  રાગ પેદા થઇ ગયો.  એવામાં જો એ  ભૂલે ચુકે આપણા ઘરે પધાર્યા તો આ વખતે મહેમાનગતિમાં કોઈ કસર બાકી નહિ રહેવાની.  મહેમાન પણ વિચારમાં પડી જશે , માથું ખંજવાળશે કે ક્યા બાત હૈ.

આના થી ઉલટું.  જો  કોઈ કહે કે તમારા વિષે અમુક ભાઈ કે બહેન બહુ ઘસાતું  બોલતા હતા એટલે બસ ખલ્લાસ. ભલે આપણે કાનોકાન નથી સાંભળ્યું. ભલે એવું કંઈ એ ખરેખર બોલ્યા હતા કે નહિ. પણ એ સજ્જન કે સન્નારી વિષે આપણા મન માન માં ઉતારી ગયું. દ્વેષ  પેદા થઇ ગયો.  એવામાં જો એ આપણા ઘરે   ભૂલે ચુકે  પધાર્યા તો આ વખતે મહેમાનગતિમાં  ભયંકર ગાબડું. .  મહેમાન પણ વિચારતા  થઇ જશે , માથું ખંજવાળશે કે  આ શુંઆવકાર આટલો બધો લુક્ખો અને ઠંડો?  ચા કે શરબત ની પૂછપરછ વગર જ આ વખતે મુલાકાત  કેમ  પુરી થઇ ગઈ!

સંબંધ બાંધ્યાનું જો આ પરિણામ હોય તો આવા સંબંધો શું કામના?

હજારો લાખો લોકો એવા છે જેને આપણે કદી મળ્યા જ નથી. મળવાનો કોઈ મોકો જ નથી મળ્યો.  આપણા કહેવાતા મિત્રો- સંબંધીઓ- સ્નેહીઓ- સગાઓ કરતાં એવા  બધા અજાણ્યા  લોકો કેટલા નસીબદાર!  નથી આપણ ને એમના માટે રાગ કે નથી દ્વેષ. એ બધા એમને ઘેર ખુશ અને આપણે આપણા ઘરે ખુશ. ન કોઈ પંચાત, ન કોઈ ગમો -અણગમો. બંને પક્ષે બધા જ સુખી! આ તો એવું   થયું કે જેમ અંતર વધારે , જેમ પરિચય ઓછો, તેમ અપેક્ષા ઓછી.

ભાગ્યે જ દર રોજ આપણે કોઈને કંઈ આપવાનું કે કોઈનું કંઈ લઇ લેવાનું હોય છે. તો પછી કેમ મસ્તી થી ના રહીએ, ના અદેખાઈ કરીએ કે પછી ન ઈર્ષા પેદા કરીએ?  અને જીવનમાં સંબંધો નો બનતો-બીગડતો બધો ખેલ જો સારી રીતે જોઈ-સમજી લીધો હોય તો આપણી જરૂરીયાત ઓછી કરી ચલાવી લેતા કેમ ના શીખીએ. કેમ ના સ્વાવલંબી બનીએ?  મદદ કે વસ્તુ વગર ચલાવી લેવાશે. પણ સંબંધો માં મીઠાશ વગર નહિ ચાલે. મદદ કરીએ ખરા પણ બદલા ની આશા વગર. કંઈ આપીએ  તો ભૂલી જઈએ. કંઈ લઈએ તો યાદ રાખીએ.  સંબંધ કાં  તો શૂન્ય હોય અથવા તો મીઠાશ ભર્યો હોય. કડવાશ નું શું કામ છે?.

ચારસો  વર્ષ  પહેલા  શેક્સપીઅરે 'હેમલેટ' માં લખ્યું છે: " Neither a borrower nor a lender be;For loan oft loses both itself and friend " મતલબ કે નાં તો દેવાદાર બનો કે નાં તો લેણદાર: બંને કિસ્સાઓમાં મોટાભાગે મિત્રતાની સાથે સાથે  આપેલી કે લીધેલી  વસ્તુ ગુમાવવાની આવે છે. આવા સુભાષિતો બીજા પણ છે. લઈને કે દઈને બે ઘડી નો આનંદ  તો પલક વારમાં  વિસરાઈ ગયો ને આખરે તો સોદો ખોટ નો જ થયો ને!

એવું કેમ ન બને કે જેને મળીએ, જ્યારે મળીએ, તો પ્રેમ થી મળીએ, નિસ્વાર્થ, નિર્મળ સ્નેહ થી મળીએ, શુભ કામનાઓ ની આપલે કરીએ, સુખ દુખના હાલ પૂછીએ. આ બધું સાચા દિલ થી કરીએ. દેખાડો કરવા માટે નહિ. સામેવાળા   વિષે જે કંઈ વિચારીએ કે બોલીએ  એવું જ  પારદર્શી વર્તન પણ રાખીએ. એવું નહીં કે મુખમાં રામ, બગલ માં છુરી. જયારે મળીએ, હેત થી મળીએ. જયારે છુટા પડીએ ત્યારે આત્મીયતાથી વિદાય લઈએ. કોણ જાણે ક્યારે ફરીથી મળવાનું બને?  આપણે આખરે તો કાચી માટીના માનવી છીએ ને!  રાગ દ્વેષ ની કડવાશ જીરવવા જેટલા નીલકંઠ આપણે નથી બન્યા. પણ સંબંધોની મીઠાશ ને સુગંધના રસિયા છીએ અને એવા જ બન્યા રહીએ . ગમાડીએ અને ગમતા રહીએ , અને તે પણ સાવ સહજ ભાવે.

કબીરજી અનાયાસે યાદ આવે છે.
 "
सहज मिला सो दूध बराबर, मांग लिया सो पानी. बाकी है सब खून बराबर जिस में खिंचा तानी"